દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.
દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો. પાંડવોએ ચૌદવર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું. આ બધા વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યો. દિવાળી એક એવો તહેવાર છે જ્યારે ઘરના સભ્યો સાથે મળીને ફટાકડા ફોડીને, મીઠાઇ ખાઇને અને એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષના અભિનંદન પાઠવીને ઉજવતા હોય છે. સામાન્ય રીતે આ દિવસોમાં ગુજરાતીઓ નીચેના પ્રકારના કાર્ય કરતા હોય છે.
ઘરમાં દિપ પ્રગટાવવા
દિવાળી પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. દિવાળીના તહેવારોમાં દિવડા પ્રગટાવવામાં આવે છે. સોસાયટીઓ, ફ્લેટો, પોળોમાં ઘરોની બાલ્કનીમાં, અગાસી પર, મુખ્ય પ્રવેશદ્ધાર પર, શેરીઓમાં દિવડા પ્રગટાવીને રોશની કરવામાં આવે છે. દિવાળીમાં પરંપરાગત દિવડાની સાથે મીણબતી પણ પ્રગટાવવામાં આવે છે. હવે તો એલઇડી લાઇટનો જમાનો આવી ગયો છે. જેનાથી ઘર, સોસાયટીઓ અને ધંધાના સ્થળોને શણગારવામાં આવે છે.
મીઠાઇઓ અને નાસ્તા
મીઠાઇ અને નાસ્તા વગર દિવાળીની ઉજવણી ફિક્કી લાગે છે. પહેલા તો ગુજરાતીઓના ઘરોમાં દિવાળી આવતાની સાથે જ નાસ્તા અને મીઠાઇને તૈયારીઓ શરુ થઇ જતી. દિવાળીના થોડાક દિવસો અગાઉથી જ મહિલાઓ મોહનથાળ, લાડુ, ઘુઘરા, બરફી, ગાજરનો હલવા જેવી મીઠાઇઓ અને સેવ, ચવાણું, ફરસી પુરી, ફુલવડી, મઠિયા જેવા નાસ્તા ઘરે બનાવતી. હવે તો મીઠાઇઓ, ચોકલેટ, નમકિન તૈયાર મળે છે. નવા વર્ષની ઉજવણી સંગાસંબંધીઓ, પડોશીઓ, મિત્રોનું મોઢુ મીઠું કરીને કરીને કરવામા આવે છે.
નવા ટ્રેન્ડ પ્રમાણે કાજુકતરી, ડ્રાયફ્રુટ્સની મીઠાઇઓનું ચલણ વધ્યું છે. માવાની મીઠાઇઓ પણ પોપ્યુલર છે પરંતુ તેનો ઉપયોગ હવે ઘટ્યો છે. બજારમાં સુગર ફ્રી મીઠાઇઓ પણ મળે છે.
દિવાળીમાં રંગોળીનું મહત્વ
દિવાળીમાં વિવિધ રંગો સાથે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને અન્ય દરવાજાની બહાર પણ રંગોળી બનાવવામાં આવે છે. આ સાથે, મંડપ અને આંગણા જેવા સ્થળોએ પણ સુંદર રંગોળી સજાવટ કરવામાં આવે છે. આ માટે, રંગો સાથે દિયા અને ફૂલોની મદદ પણ લેવાય છે. રંગોળી કરવા પાછળ માન્યતા એવી પણ છે કે તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.
દિવાળીના પ્રસંગે તમારા ઘરને સજાવવા માટે તમે રંગબેરંગી ફૂલોની મદદ પણ લઈ શકો છો. સ્ફટિકના બાઉલમાં પાણી ભરો અને તેમાં ફૂલો મૂકો. આ સાથે ઘરના મુખ્ય દરવાજાને ફૂલોથી સજાવો. તમે ફૂલોની રંગોળી પણ બનાવી શકો છો.
દિવાળીએ નવા વસ્ત્રો
આખુ વર્ષમાં ક્યારેક કપડા ન ખરીદ્યા હોય તો ચાલે પણ દિવાળીએ તો નવા કપડા ખરીદવા જ પડે તેવો ગુજરાતીઓમાં વર્ષોથી ટ્રેન્ડ છે. દિવાળી અગાઉ કાપડ બજારોમાં ધૂમ ખરીદી થાય છે. બજારો ગ્રાહકોથી ઉભરાય છે. નવા વર્ષે નવા કપડાં પહેરીને મંદિરોમાં દર્શન કરવા લાઇનો લાગે છે. મોટાભાગે ગુજરાતીઓ દિવાળીના તહેવારોમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તેથી નવા કપડાની ખરીદી કરવામાં આવે છે.
ગિફ્ટ્સની આપ-લે
દિવાળીના સમયે ગિફ્ટની પણ આપ-લે કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોને રમકડાં, કપડાં જેવા ઉપહાર આપવામાં આવે છે. નાની છોકરીઓને ઢીંગલીની ગિફ્ટ આપવામાં આવે છે. આ સિવાય પણ ઘરની સજાવટ કે નવી ખરીદી કરવા માટે પણ દિવાળી શુભ દિવસ માનવામાં આવે છે.
શોપિંગ
દિવાળી એટલે ખરીદીનો તહેવાર. સમગ્ર ભારતમાં દિવાળીના શુભ દિવસોમાં શોપિંગ કરવાની મજા આવે છે. ગુજરાતીઓ તો તેમાં અવ્વલ છે. અમદાવાદમાં ગાંધીરોડ, રીલીફ રોડ, રતન પોળ, સી.જી. રોડ જેવા માર્કેટ ગ્રાહકોથી ઉભરાય છે. હવે તો મોલ કલ્ચર પણ ખુબ વિકસ્યું છે. લોકોને મોલમાં એક જ જગ્યાઓથી બધી વસ્તુઓ મળી જતી હોવાથી મોલમાં પણ દિવાળીમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે.
મંદિરોમાં ભીડ
દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ હોય છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે બેસતા વર્ષે લોકો એકબીજાને મળીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવે છે. આ સાથે મંદિરમાં જઇને ભગવાનના આશીર્વાદ લેવામાં આવે છે. નૂતન વર્ષે અમદાવાદ, સૂરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર સહિત રાજ્યના મોટા-નાના તમામ શહેરોમાં મંદિરોમાં દર્શન કરવા ભારે ભીડ જામે છે. એટલું જ નહીં, અંબાજી, ચોટીલા, પાવાગઢ, સાળંગપુર, સોમનાથ, દ્ધારકા, ડાકોર જેવા ધાર્મિક સ્થળોએ તો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.