કૈલાશ-માનસરોવરની યાત્રાને મુશ્કેલ અહીંના રસ્તા નહીં, માફિયા ગેંગ બનાવે છે

Tripoto
Photo of કૈલાશ-માનસરોવરની યાત્રાને મુશ્કેલ અહીંના રસ્તા નહીં, માફિયા ગેંગ બનાવે છે by Paurav Joshi

તમે તમારી પહેલી યાત્રા પર નીકળવાના હોવ અને પોતાની પહેલી યાત્રાને યાદગાર બનાવવા માટે કોઇ કસર છોડવા ન માંગતા હોવ તો તમારે પહાડો પર જવું જોઇએ. એટલે તમારી ખોજ કૈલાશ-માનસરોવર પર આવીને અટકશે. હવે આ યાત્રા અંગે સારીરીતે જાણી લો.

સમુદ્રની સપાટીએથી 21,778 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે કૈલાશ પર્વત. અહીંની ઠંડક અને ઉંચાઇને ક્યારેય નજરઅંદાજ ન કરતાં. કૈલાશ પર્વતની નીચે છે સુંદર માનસરોવર નદી. માનસરોવર નદી સમુદ્રની સપાટીએથી 15,060 ફૂટની ઉંચાઇ પર છે. આ બન્ને તિબેટની બોર્ડર પર આવે છે.

મોક્ષની કિંમત

કૈલાશ યાત્રા દુનિયાની સૌથી કઠીન યાત્રાઓમાંની એક છે. અહીં વહેતી ઠંડી હવાઓ સાથે તમારે લડવું પડે છે. જેની તૈયારી તમારે પહેલેથી કરી લેવી જોઇએ. રસ્તા એટલા ખરાબ છે કે ગાડી તો જઇજ નહીં શકે. આ દુર્ગમ રસ્તા આ યાત્રાને મુશ્કેલ બનાવે છે. જે લોકો અહીં આવે છે તેમને આટલી ઉંચાઇ પર રહેવાની આદત નથી. એટલે જ્યારે ઑક્સીજન ઘટવા લાગે છે તો થાક અને માથાનો દુઃખાવો પણ થઇ શકે છે. આ જ કારણે અહીં આવતા પહેલા મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે. આ યાત્રામાં 52 કિલોમીટર પગપાળા ચાલવાનું હોય છે. એટલે જો તમે બીમાર પડશો તો પગપાળા ચાલવાનું મુશ્કેલ પડશે.

ઘણીવાર આ જગ્યાઓ પર એક્યુટ માઉન્ટેન સિકનેસ એટલે કે ઉંચાઇ પર જવાથી થતી બીમારી. તેમાં તમને ચક્કર આવવા, માથુ દુઃખવાથી લઇને બેચેની સુધી કંઇપણ થઇ શકે છે. જો તમે વિચારી રહ્યા છો કે આ જોખમ ફક્ત વધારે ઉંમરના લોકોની સાથે થાય છે તો તેવું બિલકુલ નથ. આ બીમારી કોઇને પણ થઇ શકે છે. જો કે ડરવાની જરૂર નથી. તમને કોઇ પરેશાની અને તબિયત ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. યાત્રા પર જતા પહેલા એક ડોક્ટર તમારી પૂરી મેડિકલ તપાસ કરે છે અને જો તમે સંપૂર્ણ રીતે ફિટ છો તો તમારી યાત્રાને કરવાની અનુમતિ આપે છે.

યાત્રાના નિયમ

દર વર્ષે આ યાત્રા જૂન મહિનાથી લઇને સપ્ટેમ્બર સુધી હોય છે. યાત્રા પર જતા પહેલા વિદેશ મંત્રાલયના એક ડોક્ટર તમારી તપાસ કરે છે. 2017માં આ નિયમોમાં થોડોક ફેરફાર થયો છે. યાત્રા પર જતા પહેલા હવે તમારે કુલ 17 મેડિકલ તપાસમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ જ યાત્રાની અનુમતિ મળે છે. જો તમને કોઇ હ્રદયની સમસ્યા છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ડાયાબિટીઝ કે બ્લડ પ્રેશર સંબંધી કોઇ બીમારી છે તો તમને કૈલાશ માનસરોવરની યાત્રા પર મોકલવામાં નહીં આવે. આ બધા ઉપરાંત, 17 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ આ યાત્રાને નહીં કરી શકે.

પહાડો પર વધતી ભીડ

કૈલાશ માનસરોવરના જાદુને જોવા માટે દર વર્ષે હજારો લોકો આવે છે. લગભગ આખુ વર્ષ ટૂર ઓપરેટર ઇમેલ અને ફોનથી લોકોને પેકેજ આપવાની કોશિશ કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટે અહીં એક માફિયાની પ્રકારની ગેંગ કામ કરે છે. તેમની પોતાની એક આખી અલગ જ સિસ્ટમ છે. તેમને ફક્ત પૈસા કમાવવાથી મતલબ હોય છે. આ અંગે ઇન્ડિયન આર્મીના મેજર જનરલ શું કહે છે, જાણી લઇએ.

મેજર જનરલ મૃણાલ સુમન હાલ ડિફેન્સ ટેક્નિકલ એસેસમેન્ટ અને એડવાઇઝરી સર્વિસ ઑફ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. 2014માં તેઓ જાતે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. સિયાચીન ગ્લેશિયરની દેખરેખ રાખી ચુકેલા મેજર સુમન માટે હિમાલય તેમના દોસ્ત જેવો છે. અહીંની માફિયા ગેંગ અંગે મેજર પોતાના બ્લોગમાં લખેલી કેટલીક પંક્તિઓને યાત કરતાં કહે છે કે,'આ પૂરી યાત્રા એક માફિયા નેટવર્કની જાળ છે. જેને નિયંત્રિત કરવામાં આવે છે. તેમાં ટૂર ઓપરેટર્સ, હોટલથી લઇને પ્લેન સુધી બધુ સામેલ છે. તેમાં યાત્રીઓની સુરક્ષા અને આરામને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવે છે.

મેજર જણાવે છે કે માફિયા ગેંગ યાત્રીઓના આરોગ્યનું ધ્યાન નથી રાખતી. અહીં મેડિકલ સુવિધાની કોઇ વ્યવસ્થા નથી. યાત્રામાં શરૂઆતથી જ યાત્રીઓની સારસંભાળ તો દૂર તેમની ચાલવાની ક્ષમતા પર પણ ધ્યાન નથી આપવામાં આવતું. તે નેપાલગંજથી તકલાકોટ સુધીની યાત્રા પહેલા જ દિવસે કરવાનું કહે છે. નેપાલગંજ 490 ફૂટ પર છે અને તકલાકોટ 13,025 ફૂટની ઉંચાઇ પર. 490 ફૂટથી 13,025 ફૂટ સુધીની સફર પહેલા દિવસે કરવામાં મોટાભાગે લોકોને મુશ્કેલી પડે છે. તેમાં એક્યૂટ માઉન્ટેન સિકનેસ થવાનો ખતરો વધી જાય છે. હાલત વધારે ખરાબ થાય તો લોકો કાઠમંડૂથી હેલીકોપ્ટર બોલાવે છે. જેનો ખર્ચ 1.5 લાખ રૂપિયા થાય છે. જેને તમારે તમારા ખિસ્સામાંથી ભરવા પડે છે.

મેજર સુમન જણાવે છે કે સામાન્ય રીતે આ ટૂર ઓપરેટર્સને થનારી લેન્ડસ્લાઇડ અંગે પહેલેથી જ ખબર હોય છે. તેમ છતાં તે યાત્રીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. કારણ કે આમ થાય તો હેલીકોપ્ટરની મદદ લેવી પડે. જેથી તે દરેક વ્યક્તિ પાસેથી 15 હજાર રૂપિયા લઇ શકે. તેમાં પણ સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા નથી હોતી. હેલીકોપ્ટર ઉડાવનારા પાયલોટ 10 કલાકથી વધારે ડ્યૂટી કરી ચૂક્યા હોય છે જે નિયમોની વિરુદ્ધ છે. તેમની પાસે કોઇપણ ઋતુમાં ખરાબ હોવાની જાણકારી માટે કોઇ સુવિધા નથી. જેનો ફાયદો આ ટૂર ઓપરેટર્સ ઘણા આરામથી ઉઠાવે છે. એવામાં યાત્રીઓએ ખરાબ હોટલમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને આનાથી મળતા પૈસા આ લોકો પરસ્પર વહેંચી લે છે. આ બધુ પહેલેથી જ નક્કી કરેલા ષડયંત્ર હેઠળ થાય છે.

સિંહ પરિવારની કહાની

જો તમને મેજર સુમનની વાતો પર વિશ્વાસ નથી થઇ રહ્યો તો દિલ્હીના સિંહ પરિવારની કહાની પણ જાણી લો. પોતાની યાત્રા અંગે જણાવતા કહે છે કે કૈલાશ માનસરોવરની તેમની યાત્રા કોઇ ભયાનક સપનાથી કમ નહોતી. 2017માં આ લોકો કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયા હતા. તે કહે છે કે તેમણે એક જાણીતી ટ્રાવેલ કંપની સાથે પોતાનું પેકેજ બુક કરી લીધું હતું. કહેવાય છે કે નામ મોટા અને દર્શન ખોટા. આવુ જ કંઇક તેમની સાથે પણ થયું.

સિંહ પરિવારની ટૂર મુંબઇના નાનકડા પ્રાઇવેટ ટૂર ઓપરેટરે સંભાળી. યાત્રા પહેલા તેમનું ન તો કોઇ મેડિકલ પરિક્ષણ કરવામાં આવ્યું ન તો કોઇ તપાસ થઇ. ટૂર ઓપરેટરે તેમને પોતાના લોકલ ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લાવવા કહ્યું. તેમની ના તો ભારતમાં અને ના તો નેપાળની કોઇ ચેક પોસ્ટ પર કોઇ મેડિકલ તપાસ થઇ. ભક્તિ અને શ્રદ્ધામાં લોકો એટલા ખોવાઇ જાય છે કે કોઇ ડોક્ટરને મળ્યા વિના યાત્રા પર જવા માટે તૈયાર થઇ જાય છે. સિંહ જણાવે છે કે ઉપર પહોંચો ત્યારે ઓક્સિજન લેવલ ઘટી જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં ઘણી જ મુશ્કેલી થાય છે. તેમની સાથે પણ આમ જ થયું. એટલે જો તમે સંપૂર્ણ રીતે ફિટ છો તો જ આ યાત્રા પર જાઓ.

કંઇ પણ થઇ જાય કૈલાશ માનસરોવર યાત્રા પણ પર્યટનની એક જગ્યા છે. અહીં યાત્રીઓની સુવિધા પર ધ્યાન આપવું જોઇએ. ક્યાં રહશે, શું ખાશે, કેવી રીતે અને કેટલો રસ્તો એક દિવસમાં કાપશે? આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઇએ પરંતુ દુઃખની વાત એ છે કે આ માફિયા ગેંગ માટે યાત્રી ફક્ત પૈસા જ હોય છે. તમે તેમની જાળમાં ફસાઇ જશો અને તમને ખબર પણ નહીં પડે. રહેવાની સુવિધા તો દૂરની વાત છે તેમની પાસે બાથરૂમની પણ સારી વ્યવસ્થા નથી હોતી. અને જે હોય છે તે બસ નામના જ હોય છે. બાથરૂમની હાલત એટલી ખરાબ હોય છે કે તમને ઇચ્છા ન હોવા છતાં બીજા ઉપાય અજમાવવા પડે છે. તેનાથી તબિયત ખરાબ થવાનો ડર રહેતો હોય છે.

આ માફિયા ગેંગ ક્ષમતાથી વધુ લોકોને યાત્રા પર લઇ જાય છે. ગ્રુપ ઘણું મોટું હોય છે. જેના કારણે ઘણાવાર મુશ્કેલી સર્જાય છે. જ્યારે મેડિકલ પરીક્ષણ નથી થતું ત્યારે ગ્રુપમાં મોટાભાગના લોકો 60-65 સુધીની ઉંમરના હોય છે. સિંહ જણાવે છે કે તેમના ગ્રુપમાં કેટલાક લોકો 70 વર્ષથી વધુના હતા. કોઇપણની મેડિકલ તપાસ કરવામાં ન આવી. આની ચિંતા કોઇ અધિકારી કે ટૂર ઓપરેટરને નહોતી. સીધા અને ઓછા શબ્દોમાં કહીએ તો પોતાની સંભાળ જાતે રાખો.

પોતાના અનુભવને યાદ કરતાં સિંહ કહે છે કે તેમના ગ્રુપમાં એક 75 વર્ષની વ્યક્તિ હતા. જેમનું રસ્તામાં મોત થઇ ગયું. જેના કારણે આખા ગ્રુપને મજબૂરીમાં બેઝ કેમ્પમાં પાછા ફરવું પડ્યું. સુરક્ષાની આટલી ખરાબ વ્યવસ્થા હતી કે સિંહ પરિવારે ત્યાંથી જ પાછા ફરવાનું મુનાસિબ માન્યું. સિંહ જણાવે છે કે તેમના લીડરની પાસે સામાન્ય ફર્સ્ટ એડ કિટ હતી અને આખા ગ્રુપની વચ્ચે ફક્ત એક ઓક્સિજન સિલિન્ડર. સિંહ પરિવારના શબ્દોમાં કહીએ તો આ કોઇ ચમત્કારથી ઓછું નહોતું. જો તમે 60 વર્ષ હોવા છતાં સહી સલામત પાછા ફરો તો તે ચમત્કાકર જ ગણાશે.

એક રિપોર્ટ કહે છે કે છેલ્લા 3 વર્ષમાં કૈલાશ માનસરોવર પર 30 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો