એડવેન્ચર પસંદ કરનારા લોકો માટે મનાલીથી લેહ હાઇવે દુનિયાના સૌથી રોમાંચક રસ્તામાંથી એક છે. આ દુનિયાના સૌથી ઊંચા પાસથી પસાર થનારા સૌથી મુશ્કેલ રસ્તામાંનો એક છે. પરંતુ આ હાઇવે પર જે મુકામ 25 સપ્ટેમ્બરના રોજ પ્રાપ્ત કરવામાં આવ્યો છે તે આ રાજમાર્ગના ઇતિહાસમાં સુર્વણ અક્ષરે લખાયો છે. 2000 મીટરની ઊંચાઇવાળા આ હાઇવે પર ભારતની અલ્ટ્રામેરેથોન દોડવીર સૂફિયાએ મનાલીથી શરૂ કરીને લેહમાં સમાપ્ત થતી 430 કિ.મી.ની મુશ્કેલ યાત્રા પૂરી કરી અને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારી પહલી મહિલા રનર બની.
પરંતુ શું તે થાકી ગઇ છે? એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલ પર સૂફિયા કહે છે "હું થાકની સાથે સાથે ઉત્સાહથી ભરેલી છું. મેં દોડને 6 દિવસ, 12 કલાક અને 10 મિનિટમાં પૂર્ણ કરી છે. આ મારા જીવનનો અત્યાર સુધીનો સૌથી અઘરો ટાર્ગેટ હતો પરંતુ હું આ વિશ્વ રેકોર્ડ માટે કોશિશ કરવા માટે તૈયાર હતી. સૂફિયા કહે છે કે તે હાલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સમર્થનની રાહ જોઇ રહી છે.
સૂફિયા આગળ જણાવે છે કે દોડમાં શ્વાસ મોટી ચેલન્જ હતી. એટલા માટે તેણે દોડ શરુ કરતા પહેલા 20 દિવસો માટે મનાલી અને લેહની વચ્ચે રોડ પર ટ્રેનિંગ કરી અને શારીરિક જરુરીયાતોને સમજી. મેં યોગ અને પ્રાણાયમ પણ કર્યો. તે કહે છે કે દોડમાં 90% કામ માનસિક શાંતિ અને 10% શારીરિક વ્યાયામનું છે.
કોણ છે સૂફિયા?
35 વર્ષની સૂફિયાએ 2017માં દોડવાનું શરુ કર્યું હતું. એવિએશન સેક્ટરમાં એક થકવી દેનારી નોકરી પછી તેની પાસે જીમ માટે સમય નહોતો બચતો. “રાતની શિફ્ટમાં કામ કર્યા પછી દરેક સમયે સુસ્તી અનુભવ કરતી હતી, જેનાથી મને દોડવાનુ શરુ કરવા માટે પ્રોત્સાહન મળ્યું. સૂફિયાના જણાવ્યા અનુસાર આર્થિક સમસ્યા હોવાક છતાં દોડવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવા માટે થઇને તેણે નોકરી છોડી દીધી.
દિલ્હીની આ રનરે આ વર્ષની શરુઆતમાં 110 દિવસો અને 23 કલાકના રેકોર્ડ સમયમાં ગોલ્ડન ક્વાડિલેટરલમાં 6,000 કિલોમીટરથી વધુની દોડ પૂરી કરી હતી. તેણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 87 દિવસોમાં 4,000 કિમી.ની દોડ પૂરી કરી હતી. આ પ્રોજેક્ટને તે K2K કહે છે. સૂફિયા આ દોડની મુશ્કેલીઓને સમજતી હતી એટલે પોતાના જીક્યૂ રનથી પાછા ફર્યા પછી તરત તેણે મનાલી-લેહની તૈયારી શરુ કરી દીધી. પૂરી ટ્રેનિંગ કરવામાં તેણે 6 મહિનાનો સમય લાગ્યો. મનાલી-લેહ હાઇવે પર હંમેશા શિયાળાના કારણે રોડ બંધ હોવાની આશંકા રહેતી હોય છે. એટલે તેને પહેલા જ શરુઆત કરવાની હતી.
પ્લાનિંગ કેવી રીતે કર્યું?
ઘણાં લોકો ફ્લાઇટમાં મનાલી આવવાનું પસંદ કરે છે પરંતુ સૂફિયા કહે છે કે એ વાતમાં કોઇ આશ્ચર્ય નથી કે દોડવું ટ્રાવેલ કરવાની સૌથી સારી રીત છે. રસ્તામાં હિમાચલની સુંદરતા જોવાનો લ્હાવો મળે છે.
પોતાના આ હિમાલયન અલ્ટ્રા રન અભિયાનમાં સૂફિયાએ રોહતાંગ, બારાલાચા લા, લાચુલુંગ લા, સરચૂ અને ગાટા લૂપ્સ જેવી ફેમસ જગ્યાઓને કવર કરી. આ પૂરા અભિયાનમાં તેણે કુલ 9,000 મીટરની ઊંચાઇ કવર કરી.
સૂફિયાના જણાવ્યા અનુસાર દોડતી વખતે તેની પાસે એક કાર હતી જે તેની સાથે ચાલતી હતી. વિકાસની સાથે સાથે તેના કોચ આખા રસ્તે તેને પ્રોત્સાહન આપતા હતા. આ અભિયાનમાં કલાકો સુધી દોડ્યા પછી માત્ર ઊંઘવા માટે અટકતી હતી.
ઘુંટણની ઇજા હોવા છતાં પહેલા દિવસે 14 કલાકમાં 65 કિ.મી.નું અંતર કાપીને રોહતાંગ કવર કર્યું. ખરબચડા રસ્તા, ઢાળ, ઉંચાઇ, કયારેક તડકો તો ક્યારેક સખત ઠંડી પડતી હતી, પાણી અને ઓક્સિજનની કમીના કારણે બેભાન પણ થઇ ગઇ હતી. એક દિવસમાં 4000-5000 કેલેરી બર્ન થતી હોવાથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પીવાની સલાહ અપાઇ હતી. સૂફિયા તેની સફળતાનો ઘણો શ્રેય ભારતીય સેનાને આપે છે જેના શિબિરોમાં અલગ અલગ જગ્યાએ આરામ કરવાનું, ખાવાનું અને જરુરી મેડિકલ સુવિધાઓ મળી હતી.
સૂફિયા જણાવે છે કે આખી દોડમાં સૌથી અઘરો રસ્તો સરચૂ પછી આવ્યો જ્યા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. સમગ્ર 10 કિ.મી.ના રસ્તે રેતી, માટીના ટ્રેક તેની સ્પીડમાં અવરોધક બન્યા. ધૂળ-માટીના કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થઇ.
નાના નાના શિબિર, બદલાતા મોસમ અને તાપમાન અને મુશ્કેલ રસ્તાઓ પર પોતાને શાંત કેવી રીતે રાખી? આ સવાલના જવાબમાં તે કહેછે કે સ્વાભાવિક છે કે દોડમાં થાક તો લાગશે જ. ઘણીવાર અભિયાન પડતું મુકવાનું મન પણ થાય પરંતુ અહીં તમારુ દિમાગ કામમાં આવે છે. તમારી માનસિક સ્થિતિ નક્કી કરે છે કે તમે કેટલી દૂર સુધી જઇ શકો છો.