મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો

Tripoto
Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો 1/1 by Paurav Joshi

ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જનજીવન શક્ય નથી. અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદીકાળથી ભક્તિ થતી આવી છે તેવા સૂર્ય દેવના મુખ્ય મંદિરો ભારતમાં બે જ સ્થળે આવેલા છે. જેમાં એક ઓડિશાના કોર્ણાકમાં અને બીજુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કષ્ટ નમૂનો છે. ત્યારે આ જગવિખ્યાત સૂર્ય મંદિરની મુલાકાત મારે માટે એક વિશેષ સંભારણું બની ગઇ છે.

મંદિરનો ઇતિહાસ

Photo of Modhera Sun Temple, Mehsana - Becharaji Road, Highway, Modhera, Gujarat, India by Paurav Joshi

સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો.

આ મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાના શાસન દરમિયાન ઈ.સ. 1026-1027માં થયું હતું. મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક બંધાયેલું છે. આ મંદિર પહેલાં સ્થાનિકોમાં 'સીતાની ચૌરી' અને 'રામકુંડ' તરીકે જાણીતું હતું. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક લોકો આવે છે.

આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

આ મંદિર પૂર્વાભિમુખ છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્યમંદિરનાં કલાત્મક શિલ્પોમાં કેટલાંક કામશાસ્ત્રને લગતાં શિલ્પો છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.

અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય.

કેવી રીતે જશો સૂર્ય મંદિર

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે લગભગ પોણા બે કલાક થાય છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે. જો તમે વિમાનમાં આવો છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો. જો રેલવેમાં આવો છો તો મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.

કેટલી છે એન્ટ્રી ટિકિટ અને સમય

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

મોઢેરા સૂર્ય મંદિર સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સૂર્ય મંદિરમાં પ્રવેશ કરવા માટે ભારતના નાગરિકે 25 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવવી પડશે. વિદેશીઓ માટે એન્ટ્રી ફી 300 રૂપિયા છે. 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે કોઇ ચાર્જ નથી. તમે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો.

નજીકમાં જોવાલાયક સ્થળો

Photo of મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો by Paurav Joshi

જો તમે તમારૂ પ્રાઇવેટ વાહન લઇને જાઓ છો તો સૂર્ય મંદિરની નજીકમાં પણ અનેક જોવાલાયક સ્થળો છે. મનભરીને સૂર્ય મંદિરના દર્શન કરીને ફોટોગ્રાફી કરો તો પણ સરવાળે એકથી દોઢ કલાકમાં બધુ જોવાઇ જશે. ત્યારપછી તમે મોઢેશ્વરી માતાના દર્શને જઇ શકશો. સૂર્ય મંદિરથી મોઢેશ્વરી જવામાં ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે. મોઢ બ્રાહ્મણ અને મોઢ વણિક લોકોના આ કુળદેવી છે. આ મંદિર પણ ભવ્ય છે જ્યાં તમને માતાના ચરણોમાં અપાર શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં ભોજનની પણ વ્યવસ્થા છે. સૂર્ય મંદિરથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે બહુચરાજી માતાનું મંદિર. બહુચરાજી મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. બાળકોની બાધા ઉતરાવવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. કહેવાય છે કે સાચા હ્રદયથી ભક્તોએ કરેલી પ્રાર્થના બહુચરાજી અવશ્ય પૂર્ણ કરે છે. બહુચરાજી નજીક શંખલપુરનું મંદિર પણ જોવાલાયક છે. બહુચરાજીમાં ટ્રસ્ટ દ્ધારા ભોજનશાળા ચલાવવામાં આવે છે જ્યાં માત્ર 25 રૂપિયામાં ભરપેટ ભોજન ખાઇ શકાય છે. આ ઉપરાંત હાઇવે પર અનેક હોટલો અને ઢાબાની પણ સુવિધા છે.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી. કોરોનાનો સમય ચાલતો હોવાથી મંદિરોમાં ભોજનની વ્યવસ્થા બંધ હોઇ શકે છે. આ ઉપરાંત કોઇપણ સ્થળે જાઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અવશ્ય કરવું જોઇએ.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.