સ્કૂટર પર જઈ શકાય એવા અમદાવાદ નજીકના ૧૦ ફરવાલાયક સ્થળો

Tripoto
Photo of સ્કૂટર પર જઈ શકાય એવા અમદાવાદ નજીકના ૧૦ ફરવાલાયક સ્થળો by Jhelum Kaushal
Photo of Ahmedabad, Gujarat, India by Jhelum Kaushal

કોવિડ-૧૯ પેન્ડેમિકના કારણે પ્રવાસપ્રેમીઓ આકુળ વ્યાકુળ થઈ ચૂક્યા છે. વિદેશ જવાનું તો દૂર હાલમાં લોકો દેશમાં જ ક્યાંક દૂર ફરવા જવાનું આયોજન કરતાં દસ વાર વિચાર કરવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં રજાના દિવસોમાં નજીકના સ્થળોએ જ ફરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી રહેતો. ચાલો, આજે અમદાવાદ નજીકના એવા સ્થળોની યાદી બનાવીએ જે અમદાવાદથી સ્કૂટર પર પણ ફરી શકાય છે. બની શકે કે તમે આ પહેલા પણ આ સ્થળોની મુલાકાત લીધી હશે. પણ ફરીથી આ યાદી પર નજર કરો અને પરિવાર કે મિત્રો સાથે કઈક હટકે ચેન્જ મેળવવા નીકળી પડો.

૧. નળ સરોવર

અમદાવાદથી અંતર: 62 કિમી

કોના માટે? ગ્રુપ આઉટિંગ માટે

બર્ડ-વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે અમદાવાદ નજીકની શ્રેષ્ઠ જગ્યા હોય તો તે છે નળ સરોવર. નયનરમ્ય તળાવ, ખુલ્લી જગ્યા, પક્ષીઓનો કલરવ.. કેવું મજાનું! વહેલી સવારે ઘરેથી નીકળીને બપોર સુધી અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે.

૨. થોળ

અમદાવાદથી અંતર: 30 કિમી

કોના માટે? યુવાનો માટે

અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓની મનપસંદ જગ્યા. કોવિડને કારણે કોલેજ તો બંધ છે પણ થોળ નહિ. સવારના સમયે મિત્રો સાથે થોળ પહોંચી જાઓ. કોલેજમાંથી બઁક મારીને બહાર નીકળી જતાં હતા તો હવે લેપટોપ કે મોબાઈલ પર ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરો. ટ્રસ્ટ મી, બહુ જ નવો, યુનિક અનુભવ થશે.

૩. પોલો ફોરેસ્ટ

અમદાવાદથી અંતર: 154 કિમી

કોના માટે? નેચર લવર્સ માટે

આ સ્થળ સાવ નજીક કહી શકાય એવું નથી, પણ બહુ દૂર પણ નથી. હિંમતનગર પાસે આવેલી આ હરિયાળી જગ્યાએ ઘણા લોકો ટૂ વ્હીલર પર જતાં હોય છે. જેમને ડ્રાઇવિંગનો શોખ હોય તેમને થોડું વધુ ડ્રાઇવિંગ કરવાની તક મળે છે. કુદરતી સાનિધ્ય પ્લસ પ્રાચીન બાંધકામો આને એક આદર્શ ફોટોગ્રાફી પોઈન્ટ બનાવે છે.

૪. અડાલજની વાવ

અમદાવાદથી અંતર: 19 કિમી

કોના માટે? બધા જ માટે બેસ્ટ

મોસ્ટ કોમન યેટ મોસ્ટ ફેવરિટ! લગભગ કોઈ પણ અમદાવાદી માટે આ જગ્યા નવી નથી. પણ અડાલજની વાવ આઉટિંગ માટે દરેકની આગવી પસંદ છે. અદભૂત કોતરણી ધરાવતી આ ઐતિહાસિક વાવ જ્યારે પણ જઈએ ત્યારે એક નવો જ અનુભવ કરાવે છે.

૫. ઇન્દ્રોડા પાર્ક

અમદાવાદથી અંતર: 27 કિમી

કોના માટે? ફેમિલી આઉટિંગ માટે

અમદાવાદ-ગાંધીનગર બંને ટ્વીન સિટીઝ બની ચૂક્યા છે. બંને શહેર વચ્ચે આવ-જા કરવી એ બહુ જ સામાન્ય બાબત છે. આથી જો રજાના દિવસે તમે તાત્કાલિક કોઈ પિકનિકનું આયોજન કરવા ઇચ્છતા હોવ તો ગાંધીનગર બહુ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.

૬. અક્ષરધામ

અમદાવાદથી અંતર: 30 કિમી

કોના માટે? ફેમિલી આઉટિંગ માટે

મોબાઈલ ફોન વગરનો ફેમિલી ટાઈમ એ બેસ્ટ ફેમિલી ટાઈમ છે. અમદાવાદ-ગાંધીનગર ડ્રાઈવની મજા કરતાં પહોંચી જાવ અક્ષરધામ અને મોબાઈલ ફોન્સ સબમિટ કરીને મંદિરના વિશાળ પટાંગણમાં તમારા પરિવાર સાથે સમય વિતાવો. પ્રેમવતી ભોજનાલયમાં સ્વાદિષ્ટ ભોજન પણ મળી રહેશે અને આસપાસ અદભૂત આધ્યાત્મિક વાતાવરણ પણ. વળી, સોનામાં સુગંધ ભેળવે એવો લાઇટ એન્ડ સાઉન્ડ શો તો છે જ!

૭. સંત સરોવર

અમદાવાદથી અંતર: 26 કિમી

કોના માટે? ગ્રુપ આઉટિંગ માટે

આ ગાંધીનગરની એક ઘણી જ ઓછી ખેડાયેલી જગ્યા છે. અમદાવાદથી ઘણું જ નજીક હોવા છતાં અહીં અતિશય માનવ-મહેરામણ નથી જોવા મળતું. યુનિક જગ્યાઓના શોખીન લોકોએ આ સ્થળ કોમન બની જાય તે પહેલા આની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ.

૮. ઝાંઝરી વૉટરફોલ્સ

અમદાવાદથી અંતર: 75 કિમી

કોના માટે? કુદરત પ્રેમીઓ માટે.

દહેગામ ખાતે વર્તક નદીના કિનારે આ નયનરમ્ય વૉટરફોલ આવેલો છે. કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો ગમતો હોય તેમણે આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. અમદાવાદથી સાવ નજીક ન હોવાને કારણે અહીં ભીડ પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.

૯. લોથલ

અમદાવાદથી અંતર: 80 કિમી

કોના માટે? કશુંક યુનિક જોવામાં રસ ધરાવતા લોકો માટે.

ઇન્ડસ વેલી સિવિલાઈઝેશનનું સૌથી દક્ષિણે આવેલું નગર એટલે લોથલ. પુરાતત્વ ખાતા દ્વારા આ સ્થળને બહુ કાળજીપૂર્વક સાચવવામાં આવ્યું છે. હડપ્પા સંસ્કૃતિની ઝાંખી મેળવવા ઇચ્છતા હોવ તો આ સ્થળની જરૂર મુલાકાત લેવી જોઈએ.

૧૦. સુર્ય મંદિર, મોઢેરા

અમદાવાદથી અંતર: 80 કિમી

કોના માટે? ટ્રેડિશનલ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન

અવશ્ય વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ

ભારતનાં ત્રણ મુખ્ય સુર્ય મંદિરોમાનું એક મંદિર આપણા ગુજરાતમાં છે તો તેની મુલાકાત તો લેવી જ જોઈએ ને. આકર્ષક કોતરણી-કામ સાથે સદીઓ પહેલા બનાવવામાં આવેલું આ ભવ્ય સુર્ય મંદિરમાં વહેલી સવારે સૂર્યોદય સમયે કઈક અલગ જ નીખરી ઉઠે છે. અમદાવાદની આસપાસમાં ફોટોગ્રાફી માટે આનાથી સારી જગ્યા ભાગ્યે જ કોઈ હશે.

શું તમે અમદાવાદની આસપાસ કોઈ યુનિક જગ્યાએ પ્રવાસ કર્યો? અમને કમેન્ટ્સમાં જરૂર જણાવો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads