આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિસાગર જિલ્લામાં આવેલો બાલાસિનોર ડાયનોસોર ફોસિલ પાર્ક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સૌ પ્રથમ ૧૯૮૩માં બાલાસિનોરના રૈયોલી ગામમાં સાડા છ કરોડ વર્ષ જુના ડાયનાસોરના ઇંડા તેમજ અન્ય અવશેષો મળી આવ્યા હતા. આ જગ્યા પર ખનીજ વિભાગ દ્વારા સંશોધન થતું હતું. આ અવશેષો મળ્યા બાદ આ જગ્યા પર દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આવવા લાગ્યા. બાલાસિનોરના મહારાણી આલિયા સુલતાન બાબીનો આ પાર્કના વિકાસ પાછળ ખુબ મોટો ફાળો છે. આ જગ્યાએ તમને ડાયનાસોરની ચામડીના અવશેષો, હાડકાઓ, ઈંડાની રીંગો અને અશ્મિભૂત અવશેષો જોવા મળશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
જૂન 2019માં થયું લોકાપર્ણ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જૂન, 2019ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ થતાં ગુજરાતના આ પાર્કે દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બન્યો છે. પ્રવાસીઓ અહીં ડાયનોસોરના ઇતિહાસ, તેની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો તેની અદ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોઇ શકે છે.
બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેક્ટર વિસ્તારમાં 65 મિલિયન વર્ષના ગુજરાતનાં ડાયનોસોરના ઈતિહાસની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
ડાયનોસોરના અતિપ્રાચીન ઈતિહાસ અને રૈયોલી ગામના મહત્વને લઈને પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી ખાતે ઇન્ફોર્મેટિક સેન્ટર - સંગ્રહાલય અને ફોસીલ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ છ જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરાઈ છે. અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રીન, સેલ્ફ નેવીગેટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, વિશાળકાય ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહિતી પણ અહીં રજૂ કરવામાં આવી છે. વર્ષ 1983 અને ત્યારબાદ 2003માં જે ઈંડા અને ડાયનોસોરના વિવિધ ભાગોના હાડકા મળ્યા હતા એને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ડાયનાસોરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિભિન્ન સ્વરૂપે મૂકવામાં આવી છે.
આજથી 36 વર્ષ પહેલાં વિશાળકાય રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર, રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના આ નવાબી નગર બાલાસિનોરથી 11 કિલોમીટર દૂર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળ્યા હતા. આ ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત છે. અગાઉ 2003માં, અહીંથી એની ડાયનોસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. જે નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પ્રાપ્ત થયા હતા.
બાલાસિનોરના આકર્ષણો
ડાયનોસોર પાર્ક ઉપરાંત બાલાસિનોરની આસપાસ અનેક જોવાલાયક સ્થળો છે. પાર્કથી માત્ર 20 મિનિટના અંતરે આવેલો છે ગાર્ડન પેલેસ. લગભગ 400 વર્ષ જુના અને 1883માં નવાબ સાહેબ મનોવર ખાનજી બાબી દ્ધારા બાંધવામાં આવેલો આ મહેલ પ્રવાસીઓનું આકર્ષણ છે. જો કે આજે તે એક હોટલમાં પરિવર્તિત થઇ ગયો છે. ગાર્ડન પેલેસની નજીક મહિ નદી પરનો વણાકબોરી ડેમની મુલાકાત પણ તમે લઇ શકો છો. ખાસ કરીને ચોમાસામાં આ ડેમનું આકર્ષણ વધારે રહેતું હોય છે. મહિસાગર જિલ્લામાં કુદરતના સાનિધ્યમાં વસેલું એક નાનકડું ગામ છે ટુવા. આ ગામ ગરમ પાણીના કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જમીનમાંથી ગરમ પાણીના ઝરા સતત ફૂટે છે. આવા ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે. કુંડની પાળી પર બેસી, કુંડના પાણીથી સ્નાન કરી શકાય છે. જોવાલાયક સ્થળોમાં એક ગલતેશ્વર પણ છે અહીં શિવજીનું પ્રાચીન મંદિર છે. આ એક પિકનિક સ્પોટ તરીકે જાણીતું છે.
ચાંપાનેર
બાલાસિનોરથી 77 કિલોમીટરના અંતરે આવેલું છે ચાંપાનેર. ચાંપાનેરને યૂનેસ્કો દ્ધારા હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે પાવાગઢની તળેટીમાં વસેલું છે. અહી ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે. જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે.
બાલાસિનોર જવાનો ઉત્તમ સમય
બાલાસિનોરના ડાયનોસોર પાર્કની મુલાકાત આમ તો વર્ષમાં ગમે ત્યારે લઇ શકાય છે. પરંતુ શિયાળાનો સમય અહીં જવા માટે શ્રેષ્ઠ છે. શિયાળામાં અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે.
કેવી રીતે જશો બાલાસિનોર
બાલાસિનોરથી અમદાવાદનું અંતર 87 કિલોમીટર છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હવાઇમથક છે. અમદાવાદ દેશના વિવિધ શહેરો સાથે રેલવે માર્ગથી પણ જોડાયેલું છે. બાલાસિનોરથી નજીકનું રેલવે સ્ટેશન આણંદ છે. વડોદરા પણ અહીંથી નજીક છે. વડોદરા એરપોર્ટ અને રેલવે સ્ટેશન છે.
ક્યાં રહેશો
જો તમે અમદાવાદમાં રહો છો તો ડાયનોસોર પાર્ક જોવા માટે તમારે રોકાવાની જરૂર નહીં પડે કારણ કે તમે એક દિવસમાં વન-ડે પિકનિક મનાવીને પાછા ફરી શકો છો પરંતુ જો તમે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરતથી આવો છો તો અહીં રહેવા માટે બેસ્ટ જગ્યા છે ગાર્ડન પેલેસ. એક સમયે આ નવાબનું રહેવાનું સ્થળ હતું જેને હવે હોટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. હોટલના ચાર્જિસ 3500 રુપિયાથી શરૂ થાય છે પરંતુ સીઝન, ઓફસીઝન અને તહેવાર કે વીકેન્ડ અનુસાર રેટમાં ફેરફાર થતો રહે છે. હોટલમાં ફ્રી પાર્કિંગ, બ્રેકફાસ્ટ, લંચ, ડીનર, બાઇસિકલ રાઇડિંગ વગેરેની સુવિધાઓ છે. તો રાહ શું જુઓ છો ઉપડી જાઓ બાલાસિનોર.