વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન અને પ્રાચીન નગરી વડનગરની સફર

Tripoto

હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનાં રીરી અને નરેન્દ્ર મોદી. આ બધા જ નામોમાંથી નરેન્દ્ર મોદી સિવાય તમે બાકીના કોઈ નામ ભાગ્યે જ સાંભળ્યા હશે. પણ આ બધા જ એક જ ભૂમિની દેણ છે. એ ભૂમિ એટલે વિસરાયેલું પ્રાચીન નગર- વડનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાને કારણે છેલ્લા અમુક વર્ષોથી લાઇમલાઇટમાં આવેલું વડનગર સોનેરી ઇતિહાસ ધરાવે છે અને ઉજ્જવળ ભવિષ્ય પણ તેની રાહ જોઈને બેઠું છે. ચાલો, આજે આ પ્રાચીન નગરી વિષે થોડું જાણીએ.

Photo of Vadnagar, Gujarat, India by Jhelum Kaushal

વડનગર અમદાવાદથી ૧૧૧ કિમી દૂર મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગૂગલ પર આ નગર વિષે સર્ચ કરો તો કોઈ ચાઇનીઝ તત્વજ્ઞાનીની વડનગરની મુલાકાત વિષે વાંચવા મળે. તે તત્વજ્ઞાનીની મુલાકાતને પ્રતાપે વડનગરમાં બૌધ્ધ ધર્મના અંશો પણ જોવા મળે છે. આ વાત તો છે જ, પણ વાસ્તવમાં આ નગર તો ખૂબ પ્રાચીન છે. મહાભારતનાં સમયમાં લખાયેલા પુરાણોમાં અનર્તપુરા કે આનંદપુરા નામના નગરનો ઉલ્લેખ જોવા મળે છે જે આજનું વડનગર છે. સોલંકીવંશનાં શાસન દરમિયાન ઘણું જ વિકાસ પામ્યું હતું.

બુદ્ધ મોનેસ્ટરીનાં અંશો. ક્રેડિટ્સ: ગુજરાત ટુરિઝમ વેબસાઇટ

Photo of વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન અને પ્રાચીન નગરી વડનગરની સફર by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું?

અમદાવાદ તેમજ મહેસાણાથી પુષ્કળ બસો નિયમિત ધોરણે વડનગર જાય છે. આ ત્રણેય શહેરોથી ખાનગી કેબ પણ મળી રહે છે. હવાઈ માર્ગે પહોંચવું હોય તો સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે વડનગરથી ૧૧૧ કિમી દૂર છે.

અમારા ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું એક અદભૂત મંદિર વડનગરમાં આવેલું હોવાથી મેં આ નગરની ઘણી વખત મુલાકાત લીધેલી છે અને એટલે જ વિશ્વાસપૂર્વક કહી શકું છું કે વડનગરમાં આજે પણ અડીખમ એવા ઐતિહાસિક મંદિર તેમજ સ્થાપત્યો સૌ પ્રવાસપ્રેમીઓનાં અટેન્શનને પૂરેપૂરા લાયક છે.

શું જોવું?

કીર્તિ તોરણ:

જ્યાં જ્યાં વડનગરનો ઉલ્લેખ હશે ત્યાં કીર્તિ તોરણની તસવીર અચૂક જોવા મળશે. ખૂબ જીણી સુંદર કોતરણીથી શોભતું આ તોરણ વડનગરમાં આવતા દરેક લોકોને જાણે કહી રહ્યું છે, “ભલે પધાર્યા”!

ક્રેડિટ્સ: ગુજરાત ટુરિઝમ વેબસાઇટ

Photo of Kirti Toran, Ashapura, Vadnagar, Gujarat, India by Jhelum Kaushal

ક્રેડિટ્સ: ગુજરાત ટુરિઝમ વેબસાઇટ

Photo of Kirti Toran, Ashapura, Vadnagar, Gujarat, India by Jhelum Kaushal

હાટકેશ્વર મંદિર:

વડનગર એ ગુજરાતની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું મૂળ ગામ છે. અહીં આ જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવનું અહીં એક પ્રાચીન મંદિર છે જે એક અદભૂત શિવ મંદિર છે. મંદિરની આસપાસ કોઈ જ ભવ્ય બાંધકામ નથી, પરંતુ આ વિશાળ મંદિર અને તેનું વિશાળ પરિસર શિવ ભક્તોને અલૌકિક અનુભૂતિ કરાવે છે. સ્વયંભૂ શિવલિંગ ધરાવતા આ પૂર્વાભિમુખ શિવ મંદિરની બહાર નવ ગ્રહો, ભગવાન કૃષ્ણના જીવનની ઘટનાઓ, પાંડવો વગેરે દર્શાવતી કોતરણી મંદિરની શોભામાં વધારો કરે છે.

ક્રેડિટ્સ: ગુજરાત ટુરિઝમ વેબસાઇટ

Photo of Hatkeshwar Mahadev Mandir, Unnamed Road, Vadnagar, Gujarat, India by Jhelum Kaushal

શર્મિષ્ઠા તળાવ:

કોઈ ગુજરાતી એવો ખરો કે જેણે નરસિંહ મહેતાનું નામ ન સાંભળ્યું હોય? આદિ ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રીનાં નામ પરથી વડનગરમાં આવેલું એક વિશાળ રમણીય સરોવર એટલે શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવની વચ્ચે એક નાનકડો ટાપુ આવેલો છે જે આ તળાવની સુંદરતા વધુ નિખારે છે. હાલમાં સરકાર આ ટાપુને એક ટુરિસ્ટ પ્લેસ બનાવવા પર કાર્યરત છે.

ક્રેડિટ્સ: ગૂગલ

Photo of વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન અને પ્રાચીન નગરી વડનગરની સફર by Jhelum Kaushal

તાના-રીરી સ્મારક:

મુઘલ બાદશાહ અકબરનાં નવરત્નોથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તે નવરત્નો પૈકીનાં એક એવા તાનસેન દીપક રાગના જાણકાર હતા. પોતાના ગાયનથી દીપ પ્રગટાવી શકવાનું સામર્થ્ય ધરાવતા હતા. પરંતુ આ રાગ ગાયા પછી શરીરમાં ભયંકર દાહક્તા ઉપડે. તાનસેનના તનમાં ઉઠેલી દાહક્તાને રાગ મલ્હાર ગાઈને શાંત કરનાર એટલે વડનગરની સ્વર-સંગિની, નાગર ભગિની તાના-રીરી. બંને બહેનો મલ્હાર રાગ જાણતી હતી, એટલે કે પોતાના ગાયન દ્વારા વરસાદ વરસાવી શકતી.

આ બંને બહેનોને જ્યારે અકબરે પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું હતું. તાના-રીરી ફક્ત ઈશ્વરની મૂર્તિ સામે બેસીને જ ગાતી હતી, મુઘલ બાદશાહના મહેલમાં જવાનો તો પ્રશ્ન જ અસ્થાને હતો. બંને બહેનોએ ગામના કૂવામાં ડૂબીને આત્મહત્યા કરી હતી. વડનગરમાં આ સ્થળે તેમની સમાધિ બનાવવામાં આવી છે. આ બંને બહેનોની યાદમાં વડનગરમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.

Photo of વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન અને પ્રાચીન નગરી વડનગરની સફર by Jhelum Kaushal

તે ઉપરાંત વડનગરમાં અર્જુન બારી, હાથી જૈન મંદિરો, ગૌરી કુંડ, સપ્તર્ષિ કુંડ વગરે જેવી ફરવાલાયક જગ્યાઓ પણ આવેલી છે.

ભવિષ્યની યોજનાઓ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાથી વડનગર પ્રત્યે જનતા તેમજ સરકારનું ધ્યાન ખેચાયું છે. ઐતિહાસિક સ્મારકોનું નવનિર્માણ થઈ રહ્યું છે, તે ઉપરાંત નવી યોજનાઓ પણ જલ્દી જ અમલમાં મૂકવામાં આવનાર છે. આકર્ષક આર્કિયોલોજીકલ મ્યુઝિયમ વડનગરની એક અનોખી વિશેષતા બની જશે. સરકારી મેડિકલ કોલેજ તેમજ અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ પણ આ નગરીનું મહત્વ વધારવામાં આગવી ભૂમિકા ભજવશે.

વડનગરના બ્યુટીફીકેશનનું કામ પૂર જોશમાં શરૂ થઈ ચૂક્યું છે અને આગામી થોડા વર્ષોમાં વડનગર એક ટુરિસ્ટ એટ્રેકશન તરીકે ઊભરી આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.