આ વૃક્ષ છે કે જંગલ? જાણો ભારતમાં આવેલા વિશ્વના સૌથી જુના વૃક્ષ વિષે

Tripoto

કોલકાતા શહેર વારસાનું શહેર માનવામાં આવે છે. હુગલી નદીને કિનારે વિકસેલું આ શહેર એક જમાનામાં ભારતની રાજધાની માનવામાં આવતું હતું. અહીં ભારતીય સંસ્કૃતિ તેમજ અંગ્રેજોના સમયની રચનાઓનો અનોખો સમન્વય છે. આજે આ શહેર તેનું જિંદાદિલી માટે ‘સિટી ઓફ જોય’ તરીકે પ્રખ્યાત છે.

Photo of Kolkata, West Bengal, India by Jhelum Kaushal

પ્રાચીન અવશેષોમાં, ખંડેરોમાં ઘણા ઇતિહાસના શોખીનો સંસ્કૃતિનું મૂળ શોધવા જતાં હોય છે. આપણે જે વૃક્ષની વાત શોધીએ છીએ એ વડલાનું મુખ્ય થડ શોધવું ખૂબ જ અઘરું કાર્ય છે. આ એક જ વૃક્ષના અગણિત મૂળિયાં છે અને તે એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલું છે કે એવું લાગે કે જાણે તમે કોઈ જંગલમાં ફરી રહ્યા છો.

જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કલકત્તાના હાવરામાં આવેલા શિવપુરના સર જગદીશચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડનમાં ગર્વભેર ઉભેલા ‘ધ ગ્રેટ બનિયન ટ્રી’ વિષે.

એકરમાં ફેલાયેલા આ વિશાળ ગાર્ડનમાં આમ તો 12000 કરતાં પણ વધુ વૃક્ષો તેમજ છોડ રાખવામાં આવ્યા છે પણ અહીં આવતા દરેક મુલાકાતીને આ ખૂબ જ જૂનો, ભવ્ય વડલો સૌથી વધુ આકર્ષે છે. એમ પણ કહી શકાય કે આ વડલો બોટનીકલ ગાર્ડનની ઓળખ બની ચૂક્યો છે.

Photo of Acharya Jagadish Chandra Bose Indian Botanic Garden, Shibpur, Howrah, West Bengal, India by Jhelum Kaushal

શું ખાસ છે આ વડલામાં?

માનવામાં આવે છે કે આ વડલો વિશ્વનો સૌથી મોટો વડલો છે. કોલકાતા આવતા પ્રવાસીઓ ખાસ આ વડલાને જોવા માટે ગાર્ડન સુધી ખેચાઈ આવે છે. પહેલી નજરે એવું જ લાગે કે આ અનેક એકસરખા વૃક્ષો ધરાવતું જંગલ છે પણ તમે જલ્દી જ સમજી જશો કે આ હારબંધ ઝાડ વાસ્તવિકતામાં ઝાડ નથી પણ એક જ વડલાની ઢગલોબંધ વડવાઈઓ છે.

કહેવાય છે કે ગાર્ડન બન્યાનાં 15-20 વર્ષ પહેલાથી જ આ વડલો અહીં મોજૂદ હતો. આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડનની સ્થાપના વર્ષ 1787માં કરવામાં આવી હતી. એ હિસાબે આ વડલો 250 કરતાં પણ વધુ વર્ષો જૂનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એક વડલાની 3372 વડવાઈઓ આજે પોતે એક વૃક્ષ બની ચૂકી છે. આમાં કોઈ પણ વ્યક્તિ અવઢવમાં મુકાઇ જાય તે સમજી શકાય તેવી બાબત છે.

Photo of આ વૃક્ષ છે કે જંગલ? જાણો ભારતમાં આવેલા વિશ્વના સૌથી જુના વૃક્ષ વિષે by Jhelum Kaushal

કઈકેટલાય વાવાઝોડા અને તોફાન આ વડલાએ સહ્યા છે અને તેમ છતાંય અડીખમ ઊભો છે. 87 કરતાં વધુ પક્ષીઓની પ્રજાતિ આ વડલા પર વસવાટ કરે છે. તે કુલ 18,918 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે. આ વિશેષ ઝાડ ભારતીય બોટનીકલ સર્વેના લોગોમાં સ્થાન ધરાવે છે. વર્ષ 1987 માં ભારતીય પોસ્ટ દ્વારા આ વૃક્ષ દર્શાવતી સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવી હતી.

Photo of આ વૃક્ષ છે કે જંગલ? જાણો ભારતમાં આવેલા વિશ્વના સૌથી જુના વૃક્ષ વિષે by Jhelum Kaushal

ગાર્ડનની અન્ય વિશેષતાઓ:

આ વિશાળ વટવૃક્ષ સિવાય અહીં હજારો પ્રજાતિની વનસ્પતિઓ આવેલી છે જેમાં 1400 વિદેશી પ્રજાતિઓ તેમજ અનેક જડીબુટ્ટીનો પણ સમાવેશ થાય છે. આ તમામ વનસ્પતિઓની દેખભાળ માટે 25 ડિવિઝન, કાચના ઘર, ગ્રીનહાઉસ અને સંરક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગાર્ડનમાં નેપાળ, મલેશિયા, જાવા, સુમાત્રા, બ્રાઝિલ જેવા દેશોની અનેક દુર્લભ વનસ્પતિઓ સંરક્ષિત કરવામાં આવી છે. જાત-જાતના વૃક્ષો ઉપરાંત આ ગાર્ડનમાં પર્યટકો માટે નૌકા-વિહારની પણ વ્યવસ્થા છે. વળી, અહીં એક લાઇબ્રેરી પણ છે જ્યાં વનસ્પતિશાસ્ત્રના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે.

ગાર્ડનનું નિર્માણ

અંગ્રેજ સેનાના અધિકારી કર્નલ એલેક્ઝાન્ડર કીડ દ્વારા વ્યાવસાયિક હેતુથી આ બાગની સ્થાપના કરવામાં આવી હતી. તેમનો મૂળ ઉદ્દેશ્ય ભારતભરમાંથી જેનો વ્યાવસાયિક ઉપયોગ થઈ શકે તેવી વનસ્પતિઓનો સંગ્રહ કરવાનો હતો. સર જ્યોર્જ કિંગ દ્વારા આ બાગ ડિઝાઇન કરવામાં આવ્યો અને વિલિયમ રોકસબર્ગના અધ્યક્ષપદે તેનો વિકાસ થયો. વર્ષ 2009માં આ ભવ્ય બગીચાને મહાન વૈજ્ઞાનિક આચાર્ય જગદીશચંદ્ર બોઝનું નામ આપવામાં આવ્યું.

ક્યારે જવું?

ઓકટોબરથી માર્ચ આ ગાર્ડનની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે કેમકે ઠંડા વાતાવરણમાં અહીં ફરવાની ખૂબ મજા આવે છે. અહીં પ્લાસ્ટિક તેમજ ધુમ્રપાન પ્રતિબંધિત છે અને ખાવા-પીવાની વસ્તુઓ પણ અંદર લઈ જવાની મનાઈ છે. અમુક સ્થળોએ તમને ખાવા-પીવાની વસ્તુઓ મળી રહેશે.

આખો પાર્ક ચાલીને જોવો લગભગ અશક્ય છે એટલે ગેટ પાસેથી જ સિક્સ-સીટર ગો-કાર્ટમાં બેસવું યોગ્ય રહેશે. ડ્રાઈવર વિવિધ સ્થળોએ તમને વનસ્પતિઓ વિષે માહિતગાર પણ કરશે.

કેવી રીતે પહોંચવું?

કોલકાતાથી અહીં પહોંચવા અનેક સરકારી બસો તેમજ ખાનગી ટેક્સીઓ ઉપલબ્ધ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન શાલીમાર છે પણ હાવરા સાથે દેશની તમામ જગ્યાઓ કોઈને કોઈ રીતે જોડાયેલી છે એટલે ત્યાંથી પણ જઈ શકાય છે. કોલકાતાની પશ્ચિમે હાવરા પાસે હુબ્લી નદીના કિનારે આ પાર્ક આવેલો છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads